Tuesday, September 22, 2015

ગૉસિપખોર કોણ છે: સ્ત્રી કે પુરુષ


વગોવાતી હોય છે સ્ત્રીઓ પણ મારા હિસાબે પુરુષો વધારે કૂથલીખોર અને ચુગલીખોર હોય છે. ચાર મળે ચોટલા ને ભાંગી નાખે ઓટલા જેવી કહેવત પુરુષોએ જ પોતાની આ એબ ઢાંકવા સ્ત્રીઓની વગોવણી માટે બનાવી છે. પુરુષો માટે કેમ એવી કોઈ કહેવત નથી. પુરુષોનું ગૉસિપિંગ એમની તથાકથિત દુનિયાદારીની વાતો પાછળ ઢંકાઈ જતું હોય છે. સલમાન ખાનથી લઈને અનિલ અંબાણી સુધીની હસ્તીઓ વિશે અને બિલ્ડિંગના સેક્રેટરીથી લઈને ઑફિસના બૉસ વિશેની કૂથલીઓનું જન્મસ્થાન પુરુષોનું દિમાગ હોય છે.

મેલ ગૉસિપનું સૌથી મોટું કારણ પુરુષોમાં ઊંડે સુધી ધરબાઈ ચૂકેલી રહી ગયા હોવાની લાગણી છે. તમે લઈ ગયા અને અમે રહી ગયા. ઑફિસમાં કોઈને પ્રમોશન મળ્યું તો એ તો બૉસનો ચમચો છે. પોતાની ઉંમરના કોઈ પુરુષને સુંદર સ્ત્રી સાથે કૉફી શૉપમાં જોયો તો એ કૅરેક્ટરલૅસ છે. કોઈએ નવી ગાડી વસાવી તો એ બે નંબરિયો છે. કોઈનું જાહેર સન્માન થયું તો એ પીઆરશિપમાં પાવરધો છે.

દારૂનું પીઠું અર્થાત્ બાર કે પબમાં પુરુષમિત્રો એકલા બેઠા હોય તો પોતપોતાની પરિચિત હોય એવી (પણ ‘હાથમાં ન આવી’ હોય એવી) સ્ત્રીઓની ગૉસિપ ચાલવાની અને આમાંથી બે મિત્રો બહાર સિગારેટ પીવા ગયા તો પાંચ મિનિટ માટે એમના વિશે પણ ગૉસિપ કરી લેવાની.

લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે શૅરબજાર વિશે ગૉસિપ કરવાની. દિગ્વિજય સિંહ અને અરુણ જેટલી પોતાના સગ્ગા સાળા હોય એમ એમના વિશેની મનઘડંત અંગત વાતો વિશે ગૉસિપ કરવાની.

ઑફિસમાં લંચ ટાઈમે કલીગ્સની કૂથલી ન કરીએ ત્યાં સુધી ભૂખ્યા જ છીએ એવું લાગે. ધંધાદારીઓએ રાઈ્વલ પાર્ટીની આર્થિક હાલત કેટલી ડામાડોળ છે અને માર્કેટમાંથી ઉઠાવેલા પૈસા એ કેવી રીતે ચૂકતે કરશે એની ચિંતા કરવાના બહાને એના વિશે અફવાઓ ફેલાવવાની. રામાયણના ધોબીને આદર્શ ગણનારાઓનો તોટો નથી પુરુષોની દુનિયામાં.

કોઈની સિદ્ધિ જોઈને પોતાનો ગરાસ લૂંટાઈ જતો હોવાનું માનીને કૂથલી કરનારા પુરુષોનો વર્ગ સૌથી બહોળો છે. બીજાને આગળ નીકળી જતાં જોઈને પુરુષોને સૌથી મોટો અફસોસ એ થતો હોય છે કે પેલો દોડવા માંડ્યો ત્યારે હું ત્યાં કેમ નહોતો, એના પગમાં આંટી મારીને એને પાડવા માટે! આ અફસોસ પછી એના માટેની કૂથલીનું સ્વરૂપ ધારણ કરે અને જોતજોતામાં વાત ફેલાઈ જાય કે ભઈ, આ તો અલ્લા મહેરબાન તો ગધા પહેલવાન જેવી વાત છે.

પુરુષોને પોતાની હાર સ્વીકારતાં નથી આવડતું, મેલ ઈગો વચ્ચે આવતો હોય છે. કોઈને સફળ થતાં જોઈને એને લાગતું હોય છે કે, પોતે નિષ્ફળ ગયો છે અને એમાંય પોતાના જ ઘરમાં પત્નીના મોઢે એ કોઈ પુરુષની સિદ્ધિનાં વખાણ સાંભળે ત્યારે તો નિષ્ફળતાની લાગણી બેવડાઈ જતી હોય છે. પછી એ બમણા જોરથી પેલા સિદ્ધિ મેળવનારની બદબોઈ કરવા માંડશે. પત્નીને કહેશે, ‘તને ખબર નથી કે એની પર્સનલ લાઈફમાં કેટલા લોચા છે.’ બે વખાણ શું કર્યા પત્ની જાણે પેલા જોડે ભાગી જવાની હોય એવી ઈન્સિક્યોરિટી પુરુષમાં પ્રગટે છે. કૂથલી કરવાની પુરુષોની રીત પણ નિરાળી હોવાની. પોતે બાયસ્ડ નથી એવું જતાવવા ફ્રેન્ડ સર્કલમાં સૌથી પહેલાં તો એ પેલાનાં બે વખાણ કરશે: ‘આમ તો એ બહુ ભલો માણસ છે, જેમ ઑફ અ પર્સન...’ પછી તર્જની-અંગૂઠાનું સર્કલ બનાવી છેલ્લી ત્રણ આંગળીઓ ઊંચી કરશે અને ધીમે રહીને ઉમેરશે, ‘પણ સાંભળ્યું છે કે એને એના સગા દીકરા સાથે ઊભ્ભે નથી બનતું... સાચું ખોટું તો ભગવાન જાણે પણ પાર્કમાં કોઈ કહેતું હતું...’

સવારના મૉર્નિંગ વૉક માટે પાર્કમાં જઈને સેહત બનાવવાને બદલે ગામગપાટા મારનારા પુરુષોને તમે તરત ઓળખી જઈ શકો છો. એકાદ રાઉન્ડ માર્યા પછી દરિયાકિનારે લટાર મારવા નીકળ્યા હોય એવી સ્લો મોશન ગતિમાં પગ ચાલતા હોય અને જુબાન નૉનસ્ટૉપ ૬૦ની સ્પીડે ચાલતી હોય એ આવા પુરુષોની ઓળખાણ છે. હકીકત એ હોય કે પાર્કમાં કોઈએ આવું ન કહ્યું હોય પણ પોતાના જ ઘરમાં પોતાને દીકરા સાથે અણબનાવ હોય એટલે બીજાના માટે આવી ગૉસિપ શરૂ કરી દેવી, જેથી ભવિષ્યમાં પોતાના ઘરના ઝઘડા બહાર છતા થાય ત્યારે કહેવા ચાલે કે ઘેર ઘેર માટીના ચૂલા.

પુરુષની ઉંમર વધતી જાય એમ ગૉસિપ ફેલાવવાનું અને ગૉસિપ માણવાનું એમને વધારે ને વધારે મન થતું જાય. ટીન એજર્સ તો બિચારા પોતાનામાં જ એટલા રચ્યાપચ્યા હોવાના કે બીજાઓ વિશે શું ગૉસિપ કરે. પરણ્યા પછી આ કૉટેજ ઈન્ડસ્ટ્રીનો રિયલ પાયો નખાય અને રિટાયર્મેન્ટ પછી તો એ ગૃહોદ્યોગમાંથી મલ્ટિનેશનલ કંપની બની જાય. લો યાદ આવ્યું. પુરુષો માટે પણ આવી કહેવત તો છે જ: નવરો બેઠો નખ્ખોદ વાળે.

સૌરભ શાહ
---
પ્રથમ પુરુષ એકવચન
ઉતર નશા જબ ઉસકા જાતા,
આતી હૈ સંધ્યા બાલા,
બડી પુરાની, બડી નશીલી
નિત્ય ઢલા જાતી હાલા;

જીવન કે સંતાપ શોક સબ,
ઈસકો પીકર મિટ જાતે;
સુરા-સુપ્ત હોતે મદ-લોભી
જાગૃત રહતી મધુશાલા.

- હરિવંશરાય બચ્ચન

No comments:

Post a Comment