પૂર્વમાં ઈરાક, ઉત્તરમાં ટર્કી, દક્ષિણમાં જૉર્ડન અને ઈઝરાયલથી ઘેરાયેલા સીરિયાની પશ્ર્ચિમે ભૂમધ્ય સમુદ્ર છે. લગભગ પોણા બે કરોડની વસ્તી. આ આરબ દેશ પર એક જમાનામાં ફ્રેન્ચ લોકોએ શાસન કર્યું. એમના ગયા પછી અનેક લશ્કરી બળવા થયા. ચાળીસ વર્ષ સુધી અસાદ બાપ-દીકરાએ હકૂમત ચલાવી. ૨૦૧૧માં હાફિઝ અલ-અસાદના દીકરા બશર અલ-અસાદ સામે બળવો થયો. ત્યારથી આજ સુધી આ ટચૂકડા દેશમાં એવી ક્રાઈસિસ સર્જાઈ છે જેને કારણે અત્યારે યુરોપિય દેશો ભયભીત બની ગયા છે - સીરિયાથી આવતાં શરણાર્થીઓનાં ધાડાં એમના દેશોમાં ઘૂસી જાય છે એની ફિકરમાં.
પ્રેસિડેન્ટ અસાદના જુલમી શાસનની સામે બળવો થયા પછી સીરિયામાં સિવિલ વૉરની સ્થિતિ સર્જાઈ. સંયુક્ત રાષ્ટ્રસંઘના અંદાજ મુજબ ૨૦૧૧ અને ૨૦૧૨નાં બે વર્ષ દરમ્યાન આ ગૃહયુદ્ધમાં ૬૦,૦૦૦ લોકોનાં મોત થયાં. ટૅન્ક અને કેમિકલ વેપન્સ ધરાવતાં રોકેટ્સ જેવાં આધુનિક શસ્ત્રો સરકારે પોતાની જ પ્રજા સામે વાપર્યાં. લશ્કરમાંથી બળવો કરીને છૂટા થયેલા સૈનિકો શસ્ત્રો સાથે વિરોધ પક્ષમાં જોડાયા. અને સ્થાનિક મુસ્લિમ તથા લઘુમતી કુર્દ પ્રજા આપસમાં લડવા લાગી. કોણ કોનો વિરોધ કરે છે, શું કામ લડે છે એ જાણવું ઘડીભર મુશ્કેલ બની ગયું. દેશની અડધા કરતાં વધારે ભાગની વસ્તી આ સિવિલ વૉરમાં સંડોવાઈ. અન્ન પુરવઠો ખોરવાઈ ગયો. આરોગ્ય સેવા કથળી ગઈ. મોટાભાગના સીરિયન શરણાર્થીઓએ જાન બચાવીને પડોશના જૉર્ડનમાં આશરો લીધો. જૉર્ડન માટે આ પરિસ્થિતિ દુકાળમાં અધિક માસ જેવી થઈ. કેટલાક ટર્કી તરફ ભાગ્યા. અને વધારે ડેસ્પરેટ, અને આશા રાખીને બેઠેલા જે સીરિયનો હતા તેઓ ભૂમધ્ય સમુદ્ર ઓળંગવાનું જોખમ ખેડીને ગ્રીસ ભણી જવા લાગ્યા. અત્યારે, યુનોના અંદાજ પ્રમાણે ૪૦ લાખથી વધુ સીરિયનો દેશ છોડીને આજુબાજુના તેમ જ દૂરના દેશોમાં શરણું શોધી રહ્યા છે.
સૌથી વધુ સીરિયન શરણાર્થીઓને ટર્કીએ સ્વીકાર્યા છે - લગભગ વીસ લાખ. એ પછી લૅબનોન (દસ લાખ), જૉર્ડન (છ લાખ), ઈરાક (અઢી લાખ) અને ઈજિપ્ત (સવા લાખ). ૯૮ હજાર સીરિયન શરણાર્થીઓ જર્મનીમાં આશરો લેવા માગે છે. સ્વિડનમાં ૬૪,૦૦૦, ફ્રાન્સમાં ૬,૭૦૦, બ્રિટનમાં ૭,૦૦૦, ડેન્માર્કમાં ૧૧,૩૦૦, હંગેરીમાં ૧૮,૮૦૦ શરણાર્થીઓ, સીરિયન નાગરિકત્વ ધરાવતા, આવવા માગે છે. આ ઉપરાંત નેધરલેન્ડ, ઑસ્ટ્રિયા, સ્વિટ્ઝરલૅન્ડ અને ગ્રીસ તો ખરું જ - જે સીરિયન શરણાર્થીઓને સ્વીકારશે. કેનેડાએ ૧૦,૦૦૦ શરણાર્થીઓ સ્વીકારવાની જાહેરાત કરી છે. આ બધા આંકડામાં જે શરણાર્થીઓ આવી ચૂકયા છે તેમ જ જેમને હવે પછીનાં વર્ષોમાં પ્રવેશ મળશે તે બધાનું ટોટલ આવી જાય. ઑસ્ટ્રેલિયાએ ૧૨,૦૦૦ને લેવાની વાત કરી છે. અને પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ ગઈ કાલે જ જાહેરાત કરી કે અમેરિકા આગામી વર્ષોમાં તબક્કાવાર કુલ ૧૦,૦૦૦ સીરિયન્સને શરણું આપશે જેની સામે અમેરિકામાં જબરજસ્ત વિરોધ થયો છે.
મઝાની વાત એ છે કે બહેરિન, કુવૈત અને સાઉદી અરેબિયાએ એક પણ સીરિયન શરણાર્થીને આશરો આપ્યો નથી. આ દેશોનું કહેવું છે કે સીરિયાથી ભાગીને આવતા આ (મોટાભાગના) મુસ્લિમોને અમારા દેશમાં પ્રવેશ જોઈતો હશે તો એમણે બીજાઓની જેમ રેગ્યુલર વિઝા માટે ઍપ્લાય કરવું પડે. બાકી માનવતાના ધોરણની વાત કરતા હો તો એ લોકોની મદદ માટે અમે યુનોને મિલિયન્સ ઓફ ડૉલર્સ ડોનેટ કર્યા જ છે. યુરોપિય દેશોએ બીજા વિશ્ર્વયુદ્ધ પછી યુનો સાથે જે સંધિ કરી છે એના આધારે એમણે આ શરણાર્થીઓ સ્વીકારવા જ પડે, અમારા પર આવું કોઈ બંધન નથી એવું અખાતના આ દેશોનું કહેવું છે. સાઉદી અરેબિયાએ ‘ઉદારતા’ દેખાડતાં કહ્યું છે કે જર્મનીને અમે ૨૦૦ મસ્જિદ બાંધી આપવા તૈયાર છીએ જ્યાં આ સીરિયન શરણાર્થીઓ નમાઝ પઢી શકે!
બીજા વિશ્ર્વયુદ્ધ પછી, આખા યુરોપમાં લાખો લોકો પોતાના દેશથી વિખૂટા પડી ગયા અને એમની સમસ્યાનો નીવેડો લાવવાની જરૂર જણાઈ ત્યારે, ૧૯૫૧માં રેફ્યુજી ક્ધવેન્શનમાં યુરોપના દેશોએ એક સંધિ પર સહીઓ કરી. યુરોપના કોઈપણ દેશમાં ત્યાંના નાગરિક પર પોતાની જ સરકાર દ્વારા જોખમ તોળાતું હોય તો એને આશરો અપાશે - મરવા માટે પાછો ધકેલી દેવાશે નહીં - એ બાબત પર સર્વસંમતિ સધાઈ. ૧૯૬૭માં આ સંધિમાં સુધારો થયો અને યુરોપને બદલે વિશ્ર્વના કોઈપણ દેશમાં - એવી વાત ઉમેરાઈ.
છેલ્લા દાયકાઓમાં આ સંધિ પર વિશ્ર્વના ૧૪૨ દેશો સહી આપી ચૂક્યા છે. સાઉદી અરેબિયા, કુવૈત, બહેરિન, કતાર, ઓમાન અને સંયુક્ત આરબ અમીરાતે (યુએઈ) આ સંધિ પર સહી નથી કરી. જોકે યુએઈ-એ દિલદારી દેખાડીને અઢી લાખ સીરિયન શરણાર્થીઓ સ્વીકાર્યા છે.
સીરિયન નાગરિકો સિવિલ વૉરથી થાકીને તેમ જ આઈએસઆઈએસ (ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક ઍન્ડ અલ-શામ)ના આતંકવાદથી બચવા પોતાનો દેશ છોડીને ભાગી રહ્યા છે ત્યારે સાઉદી અરેબિયા સહિતના ગલ્ફના દેશોને અને યુરોપના દેશોને ચિંતા છે કે આ શરણાર્થીઓમાં કયાંક આતંકવાદીઓ અમારા દેશમાં ઘૂસી ન જાય. પોતે આતંકવાદી ન હોય પણ બીજા આતંકવાદીઓને સપોર્ટ કરે, એમના માટે લોકલ સિસ્ટમ ઊભી કરવામાં મદદ કરે એવું પણ બને. આ દેશોનો ભય સાચો છે. કારણ કે યુનોની સંધિ મુજબ તમારે આ ઑફિશ્યલ શરણાર્થીઓને આટલા હક્ક આપવા પડે: ૧. દેશમાં ગેરકાયદે ઘૂસી જવા બદલ આ શરણાર્થીઓ પર કાયદેસર પગલાં ન લઈ શકાય. ૨. ઘર મેળવવાનો એમને હક્ક છે. ૩. કામ કરવાનો હક્ક છે. ૪. શિક્ષણ પામવાનો અને સરકારી મદદ મેળવવાનો હક્ક છે. ૫. અદાલતનું શરણું લેવાનો હક્ક છે. ૬. અને સરકારી ઓળખપત્ર તેમ જ પ્રવાસ માટેના દસ્તાવેજો (અથાત્ પાસપોર્ટ વગેરે) મેળવવાનો પણ હક્ક છે.
બરાક ઓબામાની ૧૦,૦૦૦ રેફ્યુજીઝ સ્વીકારવાની જાહેરાત સામે એટલા માટે જ વિરોધ થયો. લોકો કહેવા લાગ્યા કે બોસ્ટનમાં મૅરેથોન દોડ વખતે થયેલા બૉમ્બધડાકા ભૂલી ગયા?
૧૯૭૧ના પાકિસ્તાન સામેના યુદ્ધ પછી પૂર્વ પાકિસ્તાનને છૂટું પાડીને ભારતે બાંગ્લાદેશની રચના કરવામાં ભાગ તો લીધો પણ એ સમયે ભારતમાં આવેલા બાંગ્લાદેશી શરણાર્થીઓમાંના આજે પણ ત્રિપુરા, ઓરિસ્સા વગેરેમાં ઠેર ઠેર પથરાયેલા છે. એમાંના પાંચ લાખ શરણાર્થીઓ દિલ્હીમાં અને ત્રણ લાખ મુંબઈમાં છે જેઓ પોતે આવ્યા હોય કે એમનાં માતાપિતા ૧૯૭૧માં બાંગ્લાદેશ છોડીને આવ્યા હોય.
શરણાર્થીઓને એમની પોતાની સમસ્યાઓ હોવાની. આ શરણાર્થીઓને પોતાના દેશમાં સમાવનારા નાગરિકોને અને સરકારોને એમને કારણે નવી સમસ્યાઓનો સામનો કરવો પડવાનો. આપણે ગુજરાતીઓ લકી છીએ કે આવી કોઈ સંઘર્ષગાથામાંથી પસાર થવાનો વખત આપણને નથી આવ્યો. હા, ૧૯૭૧ પછી વર્ષો સુધી પોસ્ટના પરબીડિયા પર પાંચ પૈસાની રેફ્યુજી રિલીફ સ્ટેમ્પ લગાડતા એટલું યાદ છે.
સૌરભ શાહ
No comments:
Post a Comment