તમને શું જોઈએ છે : ‘રાધેમા’ કે ‘રુવેદા સલામ’ ?
–કામીની સંઘવી
બે તહેવારો આવતા શનીવારે છે, પંદરમી ઓગસ્ટ આપણો સ્વતન્ત્રતા દીવસ અને હીન્દુ ધર્મના પવીત્ર મહીના શ્રાવણની શુભ શરુઆત. તેની પુર્વ સંધ્યાએ આજે બે સ્ત્રીઓ વીશે વાત કરવી છે. એક તો છે છેલ્લા કેટલાય દીવસોથી ટી.વી. મીડીયા તથા સોશીયલ સાઈટ પર ધુમ મચાવતાં રાધેમા અને બીજાં છે કશ્મીર વેલીના કુપવારા જીલ્લામાંથી ભારતીય સીવીલ સર્વીસની એક્ઝામ પાસ કરનારાં પહેલાં મુસ્લીમ મહીલારુવેદા સલામ.
પહેલાં વાત રુવેદા સલામની. જન્મે મુસ્લીમ અને છેલ્લાં કેટલાંય દસકાથી અસલામતી અને અશાન્તીથી ખદબદતી કશ્મીર વેલીમાં જન્મનાર સુશ્રી રુવેદા સલામનું નાનપણથી સપનું હતું કે ભારતીય સીવીલ સર્વીસમાં જવું. કશ્મીર વેલીના જાણીતા દુરદર્શન કેન્દ્રના ડેપ્યુટી ડીરેકટર જનરલ અને ખુલ્લી વીચારસરણી ધરાવતા પીતાના પ્રેમે, રુવેદાના સીવીલ સર્વીસમાં જવાના નીર્ણયને પ્રોત્સાહન મળ્યું. પણ યુ.પી.એસ.સી.ની એક્ઝામ પાસ કરવી તે ખાવાના ખેલ નથી. એટલા માટે રુવેદાએ સ્કુલ પછી કશ્મીરની સરકારી કૉલેજમાંથી એમ.બી.બી.એસ. કર્યું. જેથી સીવીલ સર્વીસની પરીક્ષામાં સફળ ન થાય તો પણ એક ડૉકટર તરીકેની કરીયર બની શકે. મુસ્લીમ અને સ્ત્રી હોવાના નાતે રુવેદાને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. કુપવારામાં જન્મેલી આ છોકરી માટે કશું સામાન્ય ન હતું. સતત કાશ્મીર વેલીમાં ચાલતા આંતકવાદી હુમલા, હડતાળ ને બન્ધના કારણે ભણવામાં સતત કોન્સન્ટ્રેશન જાળવી રાખવું અઘરું હતું. અધુરામાં પુરું મુસ્લીમ સમાજમાં છોકરીઓને બહુ નાની ઉમ્મરે પરણાવી દેવામાં આવે છે. તેથી સગાં–સમ્બન્ધીઓનાં અનેક દબાણ છતાં; રુવેદાનાં માતા આ બધી મુશ્કેલીઓ સામે અડીખમ ઉભાં રહ્યાં. જેને કારણે બીજા બધા સામાજીક કે રાજકીય પ્રશ્નોને બાજુ પર મુકીને રુવેદા પોતાની જીવનપરીક્ષામાં સફળ બન્યાં.
કશ્મીર વેલીમાં રહીને તેમને યુ.પી.એસ.સી.ની એક્ઝામ માટે જોઈએ તેવી સવલત ન હતી મળી. કારણ કે ત્યાં તેવા કોઈ કોંચીગ ક્લાસ ચાલતા ન હતા. રુવેદાએ પોતાના સ્ટડી માટે ફેસબુક (સોશ્યલ મીડીયા) અનેઈન્ટરનેટનો ભરપુર ઉપયોગ કર્યો. વળી જરુરી પુસ્તકો તેમણે દીલ્હીથી પણ મંગાવ્યાં. યુ.પી.એસ.ની એક્ઝામ આપતાં પહેલાં તેમણે જમ્મુ અને કશ્મીરની સ્ટેટ સર્વીસ એકઝામ આપી. તે સમયે તેઓ એમ.બી.બી.એસ. થઈને શ્રીનગરની સીવીલ હૉસ્પીટલમાં ઈન્ટર્નશીપ કરતાં હતાં. તેથી તે હૉસ્પીટલમાં જોબ સમયે પુસ્તકો લઈને જતાં. જે ફ્રી સમય મળે તેમાં વાંચતાં. એકવાર રાજ્ય કક્ષાની એક્ઝામ પાસ કરી પછી તેમણે મેડીકલ ફીલ્ડ છોડ્યું. છ મહીનાની ટ્રૅનીંગ પછી તેમનું પોસ્ટીંગ પણ થયું. એક વર્ષ તેમણે કે.એ.એસ. ઓફીસર તરીકે જૉબ પણ કરી. તે દરમીયાન યુ.પી.એસ.સી.ની એક્ઝામની તૈયારી તો ચાલતી જ હતી. પણ ચાલુ સર્વીસે વાંચવા માટે કેટલો સમય મળે ? તેમના સીનીયર ઓફીસરને ખબર પડી કે રુવેદા યુ.પી.એસ.સી. એક્ઝામની એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરી છે ને હવે મેઈન એક્ઝામની તૈયારી કરે છે. એટલે તેમણે રુવેદાને વીસ દીવસની રજા પાસ કરી આપી. રુવેદા કહે છે તે વીસ દીવસને કારણે જ તેમના રેન્કમાં ઘણો ફેર પડ્યો. તે પછી તેમને ટ્રેનીંગ માટે બેંગ્લોર મોકલવામાં આવ્યાં. ત્યાં ફીઝીકલ અને મેન્ટલ સખત તાલીમ લીધી. આઠ મહીના પહેલાં તેમની ચેન્નાઈ આઈ.પી.એસ. ઓફીસર તરીકે નીમણુક થઈ.
રુવેદા માને છે કે દેશદાઝ હોય તો તમે કોઈપણ પ્રોફેશનમાં હોવ, પછી તે જર્નાલીઝમ હોય કે મેડીસીન હોય કે પછી બીઝનેસમેન તમે દેશ માટે સેવા કરી શકો છો. બસ, દેશ માટે કશું કરવાની તાલાવેલી હોવી જોઈએ. રુવેદા કહે છે કે હું મારા ધર્મને દોષ નથી આપતી; પણ એ વાત સાચી છે કે મુસ્લીમ સ્ત્રીઓનાં લગ્ન બહુ નાની ઉમ્મરે કરી દેવામાં આવે છે. સત્તાવીસ વર્ષીય ડૉ. રુવેદા સલામ કહે છે કે તેઓ ત્યારે જ લગ્ન કરશે જ્યારે તેમને તેમના જેવો એડ્યુકેટેડ છોકરો મળશે. રુવેદાનો સકસેસ મંત્ર છે ‘હાર્ડ વર્ક અનેટોટલ ફોકસ ઓન ધ ગોલ’. ઘણા લોકો તેમને વીવાદાસ્પદ સવાલ પુછીને પરેશાન કરતા હોય છે, તેના માટે સલામ કહે છે કે પોતે હમ્મેશાં વીવાદાસ્પદ ટીપ્પણી કરવાનું ટાળ્યું છે. જેથી તેઓ ફોકસ ગુમાવ્યા વીના પોતે જ કરવા ઈચ્છે છે તે કરી શકે.
સ્ત્રી ધારે તો શું કરી ન શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે રુવેદા સલામ. ને સ્ત્રી ધારે તો ન કરવા જેવું પણ કેટલું કરે તેનું ઉદાહરણ, એટલે રાધેમા. પીસ્તાલીશ વર્ષ( સાચી ઉંમર રાધેમા જાણે !)ની આ સ્ત્રીનાં દર્શન માટે તેમના દરબારમાં શ્રીમન્તોની લાઈન લાગે છે. આ દેવીને મોડર્ન વસ્ત્રો કે હીન્દી ફીલ્મ આઈટેમ સોંગનો વાંધો નથી. રાધર તેમના દરબારમાં આ ગીતો પર રાધેમા અને તેમનાં બાળકો–ભાવીકો ડાન્સ કરે છે. વળી ભક્તો તેમને તેડી લે કે ઉંચકી લે કે તેમને ભેટે કે તેઓ તેમને ભેટે તેનો કોઈ બાબતનો વીરોધ તેઓ નથી કરતાં; રાધર ભક્તો તેમને તેડે ને ડાન્સ કરે કે તેમને ચુમ્બન કરે તેવું તેમના દરબારમાં સામાન્ય થઈ પડ્યું. જો કોઈને વીરોધ હોય તો તેઓ જાણે. પણ રાધેમા મોડર્ન મા છે, તેઓ હેવી મેકઅપ ને અને ડેઈલી સોપની હીરોઈન્સને પણ ટક્કર મારે તેવાં ઘરેણાં અને સેંકડો ફુલોના હારતોરા પહેરીને ફરે છે. તેમને ઓછાં કે આછાં વસ્ત્રોનો છોછ નથી. તેમની સાથે ડાયરેક્ટ ભગવાન પણ વાત કરે છે તેવો તેમનો દાવો છે. પરમ્પરાગત હીન્દુ ધર્મનાં સાધ્વી કરતાં તેમની પહેચાન અલગ છે. કારણ કે તેઓ સંસારી છે. તેમના લગ્ન સત્તર વર્ષની ઉમ્મરે થયાં હતાં. તેમને બે પુત્રો થયા ને પતી ટેલરીંગ કામ માટે દોહા જતો રહ્યો. પછી તેમણે બાવીસ વર્ષની ઉમ્મરે પરમહંસ બાગ ડેરાના મહન્ત રામદીન દાસ 1008 પાસે દીક્ષા લીધી. તે પછી મુમ્બઈના મીઠાઈની ચેઈન શૉપ ‘એમ. એમ. મીઠાઈવાલા’ના ચેરમેન મનમોહન ગુપ્તાના ઘરે મુમ્બઈ શીફ્ટ થયાં. ત્યાં તેમણે આ ‘સુખવીન્દર કૌર’ નામધારી સ્ત્રીને ‘રાધેમા’ તરીકે લોકો સામે પ્રોજેક્ટ કર્યા. રેસ્ટ ઈઝ ધ હીસ્ટ્રી ! અર્ધ શીક્ષીત અને ગામડીયણ આ બહેન, રાતોરાત દેવી બની ગયાં ! આજે તેમના દરબારમાં શ્રીમન્ત અને ફીલ્મસ્ટાર્સ, તેમની દૈવી કૃપા મળે તે માટે લાઈન લગાવે છે.
પણ નીક્કી ગુપ્તા નામની આ ગુપ્તા પરીવારની વહુએ તેના પતી નકુલ ગુપ્તા અને બીજા પાંચ સાસરીયાં તથા રાધેમા વીરુદ્ધ મુમ્બઈ પોલીસને ફરીયાદ કરી કે તે દહેજ માટે એને હેરાન કરે છે. કાલ સુધી ભક્તોના દરબારમાં રંગેચંગે ડાન્સ કરતાં રાધેમા રાતોરાત રડવા કકળવા માંડ્યાં છે કે તેઓ નીર્દોષ છે. તેમની બે વહુઓ પણ રોયલ ફેમીલીમાંથી આવે છે. જો તેમની પાસેથી તેમણે દહેજ ન માંગ્યુ હોય તો નીક્કી જેવી ગરીબ મહીલા પાસેથી તો કેમ માંગે ? ખેર, મુમ્બઈ પોલીસ એનું કામ કરશે. પણ આવાં રાધેમાને દેવી તરીકે પુજતા આપણા લોકો વીશે શું કહેવું ?
શ્રાવણ મહીનો હીન્દુ ધર્મનો પવીત્ર મહીનો ગણાય છે; પણ તેમાં આજકાલ અન્ધશ્રદ્ધાનું ભારોભાર મીશ્રણ થઈ ગયું છે અને એટલે જ આવાં રાધેમા જેવાં કીમીયાગરો સમાજમાં ફુલેફાલે છે. શ્રાવણ માસમાં હીન્દુઓનાં ઘરેઘરે ઉપવાસો, સત્યનારાયણની પુજા અને બીજાં અનેક ધાર્મીક વીધીવીધાન થતાં હોય છે. જાણે વર્ષમાં એક જ મહીનામાં દાન–ધરમ કરીને, વર્ષભર કરેલાં પાપ ધોઈને પુણ્ય કમાઈ લેવાનું હોય ! સમાજમાં આવાં રાધેમા સાધ્વી તરીકે સફળ પ્રેક્ટીસ કરી શકે છે તેને માટે આપણે જ જવાબદાર છીએ. જીવનમાં મુશ્કેલીઓ તો કોને નથી હોતી ? પણ આવાં રાધેમા જેવા ધુતારાનો સહારો લઈને શોટર્કટથી મુશ્કેલી દુર કરવાના ઉપાય કરતાં જ આપણે ભેરવાઈએ છીએ. નાનાંમોટાં બધાં મન્દીરોમાં દર્શન સમયે થતી ભાગદોડને કારણે દર વર્ષે આપણે ત્યાં અનેક લોકો ઈજા પામે છે કે મરે છે; પણ આપણી મન્દીર તરફની દોટ અટકતી નથી ! શા માટે તમે ધાર્મીક છો તેવું દેખાડવા માટે પણ મન્દીર જવું પડે ? શા માટે આપણને રાધેમાની જરુર પડે ? કારણ કે આપણને સફળતા માટે શોર્ટ કટ જોઈએ છે. બસ, જલદી સફળ તો થઈ જવું છે; પણ તેને માટે સખત તો શું જરાયે મહેનત નથી કરવી.
આપણી ગુજરાતી કહેવત છે : ‘ગામમાં લોભી હોય ત્યાં ધુતારા ભુખે ન મરે.’ તેથી રાધેમાને દોષ આપતાં પહેલાં આપણા ગરેબાનમાં ઝાંકવાની જરુર છે કે તમે ધર્મના નામે કોઈ ડામીશને તો પુજતા નથી ને ? ને શા માટે ભગવાન અને તમારી વચ્ચે આવા ‘કમીશન એજન્ટ’–વચેટીયાની જરુર તમને પડે ? કણકણમાં ઈશ્વર છે જ; તો પછી ઈશ્વરને તે કણકણમાં જ શોધી લેવો ઘટે.
આશ્ચર્ય એ છે કે વીકીપીડીયા પર પણ રાધેમા વીશે અનેક માહીતી ફોટા ઉપલબ્ધ છે; પણ દેશના કશ્મીર સ્ટેટની પહેલી યુ.પી.એસ.સી એક્ઝામ પાસ કરનાર મુસ્લીમ મહીલા રુવેદા વીશે કોઈ એક પેજ પણ નથી !
તે જ દેખાડે છે કે લોકોને શું જોઈએ છે.. ‘રાધેમા’ કે ‘સલામ રુવેદા’ !
: રેડ ચીલી :
Education is the basic tool which will empower women,
make them financially independent,
help them make the right choices
… Ruveda Salam …
No comments:
Post a Comment