Saturday, October 24, 2015

આપણું ઘર એ જ આપણું મન્દીર


એક સ્નેહીના ઘરે જવાનું થયું. ઔપચારીક વાતો પછી મેં પુછ્યું, ‘બા ઘરમાં નથી દેખાતાં. બહાર ગયાં છે?’
બા સાથે મારે પણ આત્મીયતા હતી. સ્નેહી કહે, ‘બા ઘરમાં જ છે. પાસેની રુમમાં પુજા કરે છે.’
મને આશ્ચર્ય થયું ! એ કંઈ પુજા–પ્રાર્થના કરવાનો સમય નહોતો. હું જાણું છું કે પુજા–પ્રાર્થના તો કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થળે કરી શકાય; પરન્તુ સામાન્ય રીતે વ્યવહારમાં આપણે દરેક કામકાજ માટેનું સ્વતન્ત્ર ટાઈમટેબલ બનાવેલું હોય છે. પુજા–પ્રાર્થના માટે અનુકુળ સમય ફાળવેલો હોય છે. હું મારું આશ્ચર્ય વ્યક્ત કરું એ પહેલાં જ સ્નેહી બોલ્યા, ‘તમારે બાને પુજા કરતાં જોવાં છે ?’
‘ના–ના, તેમને ડીસ્ટર્બ નથી કરવાં…’
તેઓ ડીસ્ટર્બ નહીં થાય; ઉલટાનું તેમને ગમશે. સાચી વાત એ છે કે તમે બાને પુજા કરતાં જોશો તો તમને ગમશે. બાની પુજાવીધી જોવા જેવી છે.’
‘તો ચાલો, જઈએ અને જોઈએ.’ હું બોલ્યો.
અમે બન્ને ઉઠીને બાજુની રુમ તરફ ગયા. હળવેથી દરવાજો ખોલ્યો. એક પલંગ પર બા બેઠાં હતાં. સામે તેમનો પૌત્ર (એટલે કે પેલા સ્નેહીનો દીકરો) બેઠેલો હતો. બા તેને કંઈક વાર્તા સંભળાવતા હતાં. અમારી તરફ તેમનું ધ્યાન નહોતું. વાર્તાનાં પાત્રોમાં સીંહ, ગરીબ બ્રાહ્મણ અને રાજા હતાં.
સ્નેહી મને હાથ પકડીને રુમમાં ખેંચી ગયા. બાએ અમારી તરફ જોઈ સ્મીત કરતા કહ્યું, ‘બહુ દીવસે અમારી યાદ આવી ?’
બાના શબ્દોમાં લાગણી હતી. એમાં મીઠો ઠપકો હતો. કોઈ વડીલ આપણને વાત્સલ્યથી ઠપકો આપે એ આપણું સદ્ભાગ્ય કહેવાય.
મેં બે હાથ જોડીને નમસ્કાર કર્યાં. સ્મીત દ્વારા સૉરી પણ કહેવાઈ ગયું. પછી તરત મુળ વાત કરતાં મેં કહ્યું, ‘મને તો એમ કહેવામાં આવ્યું હતું કે તમે અન્દર પુજા કરો છો અને તમારી પુજાવીધી જોવાલાયક હોય છે એટલે હું અન્દર આવ્યો; પરન્તુ તમે તો…’
‘હું પુજા જ કરી રહી છું ને !’ કહીને બોલ્યાં, ‘જો આ મારો પૌત્ર એટલે મારો બાળકનૈયો. પેલા કનૈયાને માખણ બહુ ભાવતુ હતું અને મારા આ કનૈયાને વાર્તાઓ બહુ ભાવે છે. તે દરરોજ મારી પાસે આવીને – ‘દાદી, એક સ્ટોરી કહો ને !’ – એમ કહેતો હતો. મેં તેને સ્ટોરી કહેવાનું કામ પુજા કરવા જેટલા મહત્ત્વથી સ્વીકારી લીધું છે !
‘તમારી વાત જાણીને મને ખરેખર ખુબ આનન્દ થયો છે. તમે પુજાની નવી જ વ્યાખ્યા આજે મને આપી…!’
બા બે ઘડી મૌન સેવી રહ્યાં અને પછી બોલ્યાં, ‘આમ આપણે દરરોજ બાળકનૈયાનાં ભજનો લલકારીએ, તેને ફળ–નૈવેદ્ય ધરીએ, નાનકડા નટવરને લાડ લડાવીએ અને ઘરના જ બાળકનૈયાની ઉપેક્ષા કરીએ; એવું કેમ ચાલે ? તસવીર કે મુર્તીના કૃષ્ણની પુજા કરીએ અને જીવતા જાગતા કૃષ્ણ માટે આપણને ફુરસદ જ ન મળે તો એવી પુજા શ્રીકૃષ્ણને પણ કેમ ગમે ? અમારી ઉમ્મરના ઘણા લોકો મને કટાક્ષમાં કહે છે કે તમને લોહીના સમ્બન્ધનું વળગણ છે. દીકરાઓને લાડ કરવાં એ તો જુઠી માયા છે. હું તેમને કહું છું કે જુઠી માયા હોય તો ભલે રહી, લોહીના સમ્બન્ધનું વળગણ હોય તો છો રહ્યું; મારે કંઈ ત્યાગી–વીતરાગી નથી બનવું. હું એક સ્ત્રી છું, મા છું, દાદી છું. મને જે રોલ ભજવવા મળ્યો, એને મારે પુરી નીષ્ઠાથી ન્યાય આપવો છે. જો આ બધું માયા અને વળગણો જ હોય તોયે એ કંઈ મેં તો નથી જ બનાવ્યાં ને ? જેણે આ જગત બનાવ્યું છે એણે જ તો સમ્બન્ધોનો આ સરસ ખેલ રચ્યો છે. જશોદા તો પારકી મા હતી; તોય કૃષ્ણને વહાલ કરતી, જ્યારે હું તો મારા પૌત્રની સગી દાદી છું. એને વહાલ કરવાનો મને હક છે, એને વહાલ કરવું એ મારો ધર્મ છે. એનાથી ચડીયાતી કોઈ પુજા હોય એવું મને નથી લાગતું.’
અન્ધશ્રદ્ધાની ભેળસેળવાળી પ્રદુષીત ભક્તી કરતાં શ્રદ્ધાના મીશ્રણવાળું વળગણ કેવું પવીત્ર, આનન્દમય અને શાતાદાયક હોય એનો સાક્ષાત્કાર કરીને સાચે જ મેં ધન્યતા અનુભવી.
ભક્તીના નામે આપણે ખોટા માર્ગે ભટકી તો નથી ગયા ને ? ધર્મના બહાને આપણે આપણાં જીવનને અને આપણાં કર્તવ્યોને અન્યાય તો નથી કરી રહ્યાં ને ? ત્યાગ–વૈરાગ્યની શુષ્ક વાતો સાંભળીને આપણે એવા ભરમાઈ જઈએ છીએ કે હાથમાં રહેલાં રોકડાં સુખોને ફેંકી દઈને, પરલોકનાં સુખોરુપી કોણીએ વળગેલો ગૉળ ચાટવાના ઉધામા કરવામાં જીવતરને વેડફતાં રહીએ છીએ. જગતના સમ્બન્ધો મીથ્યા નથી. બ્રહ્મ સત્ય હોય તો જગત પણ સત્ય છે. મોહ અને માયાથી દુર ભાગવાની જરુર નથી. સમ્બન્ધોની જરુર પણ પડે છે, સન્તાનોની જરુર પણ પડે છે, સમ્પત્તીની જરુર પણ પડે છે. ભક્તીના ભ્રમમાં આ બધી હકીકતોને મીથ્યા અને નાશવન્ત સમજીને આધા જવાની જરુર નથી. આખું જગત મીથ્યા હોય તો આપણે સ્વયં પણ ક્યાં શાશ્વત છીએ ? નીર્ભેળ અને નીર્દોષ સુખ માણવું એમાં કોઈ પાપ નથી.
આપણે ઘરે પહોંચવામાં મોડા પડીએ ત્યારે આપણી પ્રતીક્ષામાં ભુખી રહેતી પત્નીનો પ્રેમ કઈ રીતે મીથ્યા કહેવાય ? પત્ની બીમાર પડે ત્યારે ઑફીસેથી રજા લઈને પતી તેની સેવામાં ખડો રહેતો હોય તો એ સેવાને શા માટે મીથ્યા કહીને વગોવવી ? આપણને જોઈને ખીલખીલાટ સ્માઈલથી આપણને તાજગીની દીક્ષા આપતા બાળક સાથેનું એટૅચમેન્ટ વળી શાનું મીથ્યા ? રીટાયર્ડ થયા પછી આપણી પાસે કશી પ્રવૃત્તી ન હોય, ત્યારેઆપણાં પૌત્ર–પૌત્રીઓ અને અન્ય સ્નેહી–સ્વજનો સાથે જે હળવાશ અનુભવીએ છીએ એને મીથ્યા કહેવાનું સાહસ કઈ રીતે થઈ શકે ? ફેમીલી–લાઈફને એન્જોયફુલ બનાવતાં આવડે તો મોક્ષ અને વૈંકુઠ પછી જખ મારે છે. સૌથી મોટી ભ્રાન્તી જો કોઈ હોય તો એ ત્યાગ છે. સંસાર જો ભવસાગર હોય તો આપણું જીવન એક નૌકા છે. નૌકાનો ત્યાગ કરીએ તો ભવસાગરમાં ડુબી મરીએ. ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે જો ઉભા રહેવાનું હોય તો હૅન્ડલ બરાબર પકડવું જ પડે. હૅન્ડલનો ત્યાગ કરીએ તો ભુંડી દશા થાય.
આપણું ઘર એ જ આપણું મન્દીર. પ્રસન્નતા આપણો પરમેશ્વર. કર્તવ્યો આપણી તપસ્યા. વહાલ અને વાત્સલ્ય એટલે પ્રસાદ. પરસ્પર પ્રત્યે વીશ્વાસ એ આપણો સમ્પ્રદાય. સાચી અને તટસ્થ સમજણ એ જ આપણો મોક્ષ. સંસારને ફેંકી દેવાથી સ્વર્ગ કે વૈકુંઠ મળી જતાં હોત તો આ પૃથ્વીલોક ક્યારનોય ખાલી થઈ ગયો હોત !
બાળકને ઉંઘાડવા માટે માતા જે હાલરડું ગાય છે, એનાથી અધીક પવીત્ર બીજું કોઈ ભજન હોઈ શકે ખરું ? વૃદ્ધ પેરન્ટ્સ કે દાદા–દાદીનો હાથ પકડીને તેમને ગાર્ડનમાં ફરવા લઈ જવાં કે ઘરમાં ટૉઈલેટ–બાથરુમ સુધી લઈ જવાં, એ શું અડસઠ તીર્થની યાત્રા નથી ?
ઘરમાં આવેલી પુત્રવધુના હાથની રસોઈ જમતી વખતે તેની પ્રશંસા માટે જે શબ્દો ઉચ્ચારાય એ શબ્દોનું મહત્વ મન્ત્ર કરતાં ઓછું હોઈ જ કેમ શકે ?
તમને આ સત્ય સમજાય છે ને ? કે પછી ગરબડીયા ગામનો બાવો તમને ઉઠાં ભણાવે એમાં જ રસ છે ?
 –રોહીત શાહ

Friday, October 16, 2015

સાત વૈજ્ઞાનિક અંધશ્રદ્ધાઓ
સૌરભ શાહ
સાયન્સના નામે કેટલી બધી ગેરમાન્યતાઓ આપણે મનમાં સંઘરી રાખી હોય છે. ધર્મ કે રીતિરિવાજો રૂઢિ પરંપરાના નામે ચાલતી ગેરમાન્યતાઓનો તથાકથિત સેક્યુલરો કે રૅશનલિસ્ટો વિરોધ કરતા રહે છે. પણ વૈજ્ઞાનિક ગેરમાન્યતાઓને કોઈ પડકારતું નથી, પડકારવાની હિંમત કરતું નથી, પડકારવાની દરકાર કરતું નથી. આજે પડકારીએ:

૧. આપણે આપણા મગજની કૅપેસિટિનો દસ ટકા જ ઉપયોગ કરીએ છીએ. સાચી વાત? ના, ખોટી વાત.

છેક ૧૯૦૭થી મોટિવેશનલ ગુરુઓ અને પ્રેરણાત્મક પ્રવચનોની પડીકી આપનારાઓ આવી હંબગ વાત ચલાવતા આવ્યા છે અને આપણે માનતા આવ્યા છીએ. બાકીના ૯૦ ટકા મગજનો ઉપયોગ કરતા થઈ જઈએ તો જિંદગીમાં શું નું શું કરી શકીએ એવું જતાવવા માટે આવું જુઠ્ઠાણું પ્રચાર પામ્યું. ક્યારેક તો આઈન્સ્ટાઈનના નામે આ ગપગોળું ચલાવવામાં આવ્યું. આઈન્સ્ટાઈને ક્યારેય આવું કહ્યું નથી.

દુનિયાના ટૉપમોસ્ટ ન્યુરોસાયન્ટિસ્ટ ડૉ. બૅરી બેયરસ્ટીને આ ગપ્પાંબાજીને પડકારતું સંશોધન કર્યું છે. સીટી સ્કૅન, એમઆરઆઈ સ્કૅન અને બીજી આધુનિક તકનિક દ્વારા બ્રેન ઈમેજિંગ કરીને પુરવાર થયું છે કે મગજનો કોઈપણ ભાગ સંપૂર્ણપણે શાંત કે પ્રવૃત્તિહીન હોતો નથી. ચોવીસે કલાક દિમાગનો દસ ટકા કરતાં ઘણો મોટો હિસ્સો પ્રવૃત્તિ કર્યા કરતો રહે છે.

આની સાથે બીજી એક વાત પણ સમજવી જોઈએ. આપણું મગજ સતત નવું નવું શીખવા માટે, સ્વીકારવા માટે ઘડાયેલું છે અને ઉંમર વધતાંની સાથે મગજને લગતી નાનીમોટી બીમારીઓથી દૂર રહેવું હોય તો મગજને હંમેશાં પ્રવૃત્તિશીલ રાખવું જોઈએ. નિવૃત્તિની વય પછી ઘણા માટે સાઠે બુદ્ધિ નાઠી એવું કહેવાય છે તે થતાં રોકવું હોય તો ભરપૂર વ્યસ્ત રહીને મગજને કામ કરતું રાખવું જોઈએ.

૨. ઓછા પ્રકાશમાં વાંચવાથી આંખોને નુકસાન થાય. સાચી વાત? ના, ખોટી વાત. ઓછા પ્રકાશમાં વાંચવાથી તે વખતે આંખો દુખવા માંડે છે કારણ કે પલક ઝપકાવ્યા વગર વાંચીએ ત્યારે આંખો ડ્રાય થઈ જાય જેને કારણે આંખો ભારે લાગવા માંડે. પણ જેવા તમે નૉર્મલ પ્રકાશમાં આવો કે તરત આ ટેમ્પરરી દુખાવો ગાયબ થઈ જાય. ઑપ્થેલ્મોલોજિસ્ટોએ પ્રયોગો દ્વારા પુરવાર કર્યું છે કે આછા પ્રકાશમાં વાંચવાથી આંખોને કદી કાયમી નુકસાન થતું નથી.

૩. ભારે વજન ઉપાડવાથી હર્નિયાનો પ્રૉબ્લેમ થાય. સાચી વાત? ના, ખોટી વાત. હર્નિયાની તકલીફને વજન ઉપાડવા સાથે કોઈ લેવાદેવા નથી. હર્નિયા બીજાં જ કારણોસર થાય છે. પણ જ્યારે તમે ભારે વજન ઉપાડો છો ત્યારે તમને, ઑલરેડી શરીરમાં ઊભી થઈ ગયેલી આ તકલીફ મહસૂસ થાય છે. આ તકલીફ વજન ઉપાડવાથી નથી સર્જાઈ હોતી. વજન ઉપાડવાને કારણે માત્ર એની હાજરીનો તમને ખ્યાલ આવતો હોય છે.

૪. વૉકર કે ચાલણગાડીની મદદથી બાળક વહેલું ચાલતાં શીખે છે. સાચી વાત? ના. ખોટી વાત. ઊલટાનું વૉકરને કારણે બાળક પોતાની મેળે મોડું ચાલતાં થાય એવી શક્યતા છે. પ્રયોગો પરથી ખબર પડે છે કે જે પેરન્ટ્સ વૉકરની મદદથી પોતાના બાળકને ચલાવે છે તેઓ બાળકના વિકાસમાં ૧૧ થી ૨૬ દિવસનો વિલંબ કરે છે- બાળક આટલા દિવસ મોડું ચાલતાં શીખે છે. વૉકરને લીધે બાળક પોતાનાં પગની હલનચલન જોઈ શકતું નથી. વૉકરને કારણે બાળકને પોતાની મેળે શરીર બૅલેન્સ કરતાં આવડતું નથી.

આમ છતાં પેરન્ટ્સ પોતાને જોવાની મજા પડે એટલે બાળક માટે વૉકર લઈ આવતાં હોય છે. વૉકર છોડી દીધા પછી બાળકે ફરી વાર, ચાલતી વખતે પોતાના પગના મસલ્સને અને બૅલેન્સ કેવી રીતે જાળવવું એ શીખવું પડે છે.

૫. બહુ ગળ્યું ખાતું બાળક ચીડિયું થઈ જાય છે. સાચી વાત? ના, ખોટી વાત. શ્યુગરને કારણે શરીરને બીજાં અનેક નુકસાન થતાં હશે પણ ચીડિયા સ્વભાવને ગળપણ સાથે કોઈ લેવાદેવા નથી. શ્યુગરથી દાંત ખરાબ થાય, વજન વધે અને એવા બીજા ઘણાં પ્રૉબ્લેમ્સ થાય. પણ બાળકના સ્વભાવમાં ચીડિયાપણું દેખાય તો એનું કારણ શ્યુગર નથી, કંઈક બીજું જ છે. નૉર્મલ શ્યુગર લેતું બાળક પણ ચીડિયા સ્વભાવનું હોઈ શકે છે.

આની સાથે બીજી એક વાત. પોપઆય નામના કાર્ટૂન કૅરેક્ટરને કારણે એક મિથ ચાલી કે પાલક-સ્પિનાચ ખાવાથી સ્ટ્રૉંગ થવાય કારણ કે એમાં આયર્ન છે. ખોટી વાત છે. પાલકમાં આયર્ન જરૂર છે અને પાલકની ભાજી બીજી ઘણી રીતે શરીર માટે સ્વાસ્થ્યવર્ધક છે. પણ પાલકમાંના આયર્નને કારણે શરીર સ્ટ્રૉંગ થઈ જાય છે એ વાતમાં સેહજ પણ તથ્ય નથી.

૬. રાત્રે ખાવાથી વજન વધે છે. સાચી વાત? ના, ખોટી વાત. શરીરને જેટલી કૅલરીની જરૂર હોય તેના કરતાં તમે વધારે ખાઓ તો વજન વધે અથવા તો તમે જેટલું ખાઓ છો એટલી કૅલરી રોજ ન ખાવો- રોજ એટલી મહેનત/કસરત/શારીરિક કામ ન કરો તો વજન વધે. તમે દિવસે ખાઓ કે રાત્રે ખાઓ- વજનને એની સાથે કોઈ લેવા નથી, કોઈ પણ સમયે ખાઓ. સંશોધન પરથી એવું તારણ નીકળ્યું છે કે જે લોકોને સવારે બ્રેકફાસ્ટ ખાવાની ટેવ છે તેઓ આખા દિવસ-સાંજ-રાત દરમિયાનના પોતાના ભોજનને સરખે ભાગે વહેંચી શકે છે. 

એકાદ ટંક ખૂબ વધું ખાઈ લેવું અને પછીનો ટંક અલમોસ્ટ ભૂખ્યા રહેવું એવી આદત નૉર્મલી જેઓ બ્રેકફાસ્ટ નથી કરતા એમને હોય છે. જો તમે દિવસમાં નિયમિતપણે ત્રણવાર ખાતા હો તો ત્રણમાંના કોઈ એક ટંકમાં વધુ પડતું ખાઈ નાખવાની લાલચ તમને થતી નથી.

૭. દિવસમાં ૮ ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ. સાચી વાત? ના, ખોટી વાત. પાણી પીવામાં કંઈ ખોટું નથી, સારું જ છે. અમેરિકાની નૅશનલ રિસર્ચ કાઉન્સિલના ફૂડ ઍન્ડ ન્યુટ્રિશન બોર્ડ ૧૯૪૫માં જાહેર કર્યું કે નૉર્મલ બોડીને રોજના અઢી લિટર પાણીની જરૂર પડે (અર્થાત ૮૫ ઔંસ અર્થાત્ લગભગ ૮ ગ્લાસ), ત્યારથી આ મિથ શરૂ થઈ.

હકીકત એ છે કે આપણા ફ્રૂટ્સ, દૂધ, જ્યુસ, શાકભાજી, બીજા ઘણા ખોરાકો, ઈવન બિયર વગેરેમાં પણ પાણીનું પ્રમાણ હોય છે. આ બધું પાણી મળીને રોજ શરીરમાં અઢી લિટર કે આઠ ગ્લાસ જેટલું પાણી જવું જોઈએ. વધારે પડતું કે બિનજરૂરીપણે પાણી પી પી કર્યા કરવાથી બ્લડમાંના સોડિયમનું લેવલ ઘટી જાય છે જેને કારણે મગજના કોષોને સોજો ચડી જાય અને એ કોષો મરી જાય. જોકે, આવું કંઈ નૉર્મલી થતું નથી, એક્સ્ટ્રીમ કેસીસમાં જ થાય. પણ ટૂંકમાં તમે જો રોજના ૮ ગ્લાસ પાણી ગટગટાવવાની ટેવ ધરાવતા ન હો પણ તમારા ખોરાક દ્વારા બીજી ઘણી રીતે પાણી શરીરમાં ઠલવાતું રહેતું હોય તો ફિકર કરવાની કોઈ જરૂર નથી.

આવી તો બીજી કેટલીય વૈજ્ઞાનિક ગેરમાન્યતાઓમાં આપણે માનતા હોઈએ છીએ પણ ક્યારે એ સાયન્સના આધારે રચાયેલી છે એટલે એને પડકારવાનો વિચાર પણ નથી આવતો. હવે તો ગૂગલ તમારી પાસે છે. તમારામાં જો નીરક્ષીર વિવેક હશે તો ગૂગલ પર ખાંખાખોળા કરીને, એમાંથી જે કચરો મળે તેને ચાળી નાખીને તમે આવી ઘણી ગેરમાન્યાતાઓને ખંખેરી શકો. આજકાલના ઘણા સારા ડૉક્ટરો પણ તમને ગેરમાર્ગે જતાં રોકે છે, કારણ કે એમને પણ હવે ખ્યાલ આવ્યો છે કે શું સાચું છે ને શું ખોટું. ઉપરાંત, જે ખોટું છે તેનો પ્રચાર કરવા જતાં ક્યાંક પોતે જ ફસાઈ ન જાય એનો પણ એમને ભય હોય છે. તો શરૂ કરો, તમારા ફોન કે આઈપૅડ કે પીસી પરનું સર્ચ એન્જિન. પણ આ શુભ કાર્યના આરંભ પહેલાં લીંબુમરચાનું સ્ક્રીન સેવર ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. ;))

Monday, October 5, 2015

તમને શું જોઈએ છે : ‘રાધેમા’ કે ‘રુવેદા સલામ’ ?

તમને શું જોઈએ છે : ‘રાધેમા’ કે ‘રુવેદા સલામ’ ?

–કામીની સંઘવી
બે તહેવારો આવતા શનીવારે છે, પંદરમી ઓગસ્ટ આપણો સ્વતન્ત્રતા દીવસ અને હીન્દુ ધર્મના પવીત્ર મહીના શ્રાવણની શુભ શરુઆત. તેની પુર્વ સંધ્યાએ આજે બે સ્ત્રીઓ વીશે વાત કરવી છે. એક તો છે છેલ્લા કેટલાય દીવસોથી ટી.વી. મીડીયા તથા સોશીયલ સાઈટ પર ધુમ મચાવતાં રાધેમા અને બીજાં છે કશ્મીર વેલીના કુપવારા જીલ્લામાંથી ભારતીય સીવીલ સર્વીસની એક્ઝામ પાસ કરનારાં પહેલાં મુસ્લીમ મહીલારુવેદા સલામ.
પહેલાં વાત રુવેદા સલામની. જન્મે મુસ્લીમ અને છેલ્લાં કેટલાંય દસકાથી અસલામતી અને અશાન્તીથી ખદબદતી કશ્મીર વેલીમાં જન્મનાર સુશ્રી રુવેદા સલામનું નાનપણથી સપનું હતું કે ભારતીય સીવીલ સર્વીસમાં જવું. કશ્મીર વેલીના જાણીતા દુરદર્શન કેન્દ્રના ડેપ્યુટી ડીરેકટર જનરલ અને ખુલ્લી વીચારસરણી ધરાવતા પીતાના પ્રેમે, રુવેદાના સીવીલ સર્વીસમાં જવાના નીર્ણયને પ્રોત્સાહન મળ્યું. પણ યુ.પી.એસ.સી.ની એક્ઝામ પાસ કરવી તે ખાવાના ખેલ નથી. એટલા માટે રુવેદાએ સ્કુલ પછી કશ્મીરની સરકારી કૉલેજમાંથી એમ.બી.બી.એસ. કર્યું. જેથી સીવીલ સર્વીસની પરીક્ષામાં સફળ ન થાય તો પણ એક ડૉકટર તરીકેની કરીયર બની શકે. મુસ્લીમ અને સ્ત્રી હોવાના નાતે રુવેદાને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. કુપવારામાં જન્મેલી આ છોકરી માટે કશું સામાન્ય ન હતું. સતત કાશ્મીર વેલીમાં ચાલતા આંતકવાદી હુમલા, હડતાળ ને બન્ધના કારણે ભણવામાં સતત કોન્સન્ટ્રેશન જાળવી રાખવું અઘરું હતું. અધુરામાં પુરું મુસ્લીમ સમાજમાં છોકરીઓને બહુ નાની ઉમ્મરે પરણાવી દેવામાં આવે છે. તેથી સગાં–સમ્બન્ધીઓનાં અનેક દબાણ છતાં; રુવેદાનાં માતા આ બધી મુશ્કેલીઓ સામે અડીખમ ઉભાં રહ્યાં. જેને કારણે બીજા બધા સામાજીક કે રાજકીય પ્રશ્નોને બાજુ પર મુકીને રુવેદા પોતાની જીવનપરીક્ષામાં સફળ બન્યાં.
કશ્મીર વેલીમાં રહીને તેમને યુ.પી.એસ.સી.ની એક્ઝામ માટે જોઈએ તેવી સવલત ન હતી મળી. કારણ કે ત્યાં તેવા કોઈ કોંચીગ ક્લાસ ચાલતા ન હતા. રુવેદાએ પોતાના સ્ટડી માટે ફેસબુક (સોશ્યલ મીડીયા) અનેઈન્ટરનેટનો ભરપુર ઉપયોગ કર્યો. વળી જરુરી પુસ્તકો તેમણે દીલ્હીથી પણ મંગાવ્યાં. યુ.પી.એસ.ની એક્ઝામ આપતાં પહેલાં તેમણે જમ્મુ અને કશ્મીરની સ્ટેટ સર્વીસ એકઝામ આપી. તે સમયે તેઓ એમ.બી.બી.એસ. થઈને શ્રીનગરની સીવીલ હૉસ્પીટલમાં ઈન્ટર્નશીપ કરતાં હતાં. તેથી તે હૉસ્પીટલમાં જોબ સમયે પુસ્તકો લઈને જતાં. જે ફ્રી સમય મળે તેમાં વાંચતાં. એકવાર રાજ્ય કક્ષાની એક્ઝામ પાસ કરી પછી તેમણે મેડીકલ ફીલ્ડ છોડ્યું. છ મહીનાની ટ્રૅનીંગ પછી તેમનું પોસ્ટીંગ પણ થયું. એક વર્ષ તેમણે કે.એ.એસ. ઓફીસર તરીકે જૉબ પણ કરી. તે દરમીયાન યુ.પી.એસ.સી.ની એક્ઝામની તૈયારી તો ચાલતી જ હતી. પણ ચાલુ સર્વીસે વાંચવા માટે કેટલો સમય મળે ? તેમના સીનીયર ઓફીસરને ખબર પડી કે રુવેદા યુ.પી.એસ.સી. એક્ઝામની એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરી છે ને હવે મેઈન એક્ઝામની તૈયારી કરે છે. એટલે તેમણે રુવેદાને વીસ દીવસની રજા પાસ કરી આપી. રુવેદા કહે છે તે વીસ દીવસને કારણે જ તેમના રેન્કમાં ઘણો ફેર પડ્યો. તે પછી તેમને ટ્રેનીંગ માટે બેંગ્લોર મોકલવામાં આવ્યાં. ત્યાં ફીઝીકલ અને મેન્ટલ સખત તાલીમ લીધી. આઠ મહીના પહેલાં તેમની ચેન્નાઈ આઈ.પી.એસ. ઓફીસર તરીકે નીમણુક થઈ.
રુવેદા માને છે કે દેશદાઝ હોય તો તમે કોઈપણ પ્રોફેશનમાં હોવ, પછી તે જર્નાલીઝમ હોય કે મેડીસીન હોય કે પછી બીઝનેસમેન તમે દેશ માટે સેવા કરી શકો છો. બસ, દેશ માટે કશું કરવાની તાલાવેલી હોવી જોઈએ. રુવેદા કહે છે કે હું મારા ધર્મને દોષ નથી આપતી; પણ એ વાત સાચી છે કે મુસ્લીમ સ્ત્રીઓનાં લગ્ન બહુ નાની ઉમ્મરે કરી દેવામાં આવે છે. સત્તાવીસ વર્ષીય ડૉ. રુવેદા સલામ કહે છે કે તેઓ ત્યારે જ લગ્ન કરશે જ્યારે તેમને તેમના જેવો એડ્યુકેટેડ છોકરો મળશે. રુવેદાનો સકસેસ મંત્ર છે ‘હાર્ડ વર્ક અનેટોટલ ફોકસ ઓન ધ ગોલ’. ઘણા લોકો તેમને વીવાદાસ્પદ સવાલ પુછીને પરેશાન કરતા હોય છે, તેના માટે સલામ કહે છે કે પોતે હમ્મેશાં વીવાદાસ્પદ ટીપ્પણી કરવાનું ટાળ્યું છે. જેથી તેઓ ફોકસ ગુમાવ્યા વીના પોતે જ કરવા ઈચ્છે છે તે કરી શકે.
સ્ત્રી ધારે તો શું કરી ન શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે રુવેદા સલામ. ને સ્ત્રી ધારે તો ન કરવા જેવું પણ કેટલું કરે તેનું ઉદાહરણ, એટલે રાધેમા. પીસ્તાલીશ વર્ષ( સાચી ઉંમર રાધેમા જાણે !)ની આ સ્ત્રીનાં દર્શન માટે તેમના દરબારમાં શ્રીમન્તોની લાઈન લાગે છે. આ દેવીને મોડર્ન વસ્ત્રો કે હીન્દી ફીલ્મ આઈટેમ સોંગનો વાંધો નથી. રાધર તેમના દરબારમાં આ ગીતો પર રાધેમા અને તેમનાં બાળકો–ભાવીકો ડાન્સ કરે છે. વળી ભક્તો તેમને તેડી લે કે ઉંચકી લે કે તેમને ભેટે કે તેઓ તેમને ભેટે તેનો કોઈ બાબતનો વીરોધ તેઓ નથી કરતાં; રાધર ભક્તો તેમને તેડે ને ડાન્સ કરે કે તેમને ચુમ્બન કરે તેવું તેમના દરબારમાં સામાન્ય થઈ પડ્યું. જો કોઈને વીરોધ હોય તો તેઓ જાણે. પણ રાધેમા મોડર્ન મા છે, તેઓ હેવી મેકઅપ ને અને ડેઈલી સોપની હીરોઈન્સને પણ ટક્કર મારે તેવાં ઘરેણાં અને સેંકડો ફુલોના હારતોરા પહેરીને ફરે છે. તેમને ઓછાં કે આછાં વસ્ત્રોનો છોછ નથી. તેમની સાથે ડાયરેક્ટ ભગવાન પણ વાત કરે છે તેવો તેમનો દાવો છે. પરમ્પરાગત હીન્દુ ધર્મનાં સાધ્વી કરતાં તેમની પહેચાન અલગ છે. કારણ કે તેઓ સંસારી છે. તેમના લગ્ન સત્તર વર્ષની ઉમ્મરે થયાં હતાં. તેમને બે પુત્રો થયા ને પતી ટેલરીંગ કામ માટે દોહા જતો રહ્યો. પછી તેમણે બાવીસ વર્ષની ઉમ્મરે પરમહંસ બાગ ડેરાના મહન્ત રામદીન દાસ 1008 પાસે દીક્ષા લીધી. તે પછી મુમ્બઈના મીઠાઈની ચેઈન શૉપ ‘એમ. એમ. મીઠાઈવાલા’ના ચેરમેન મનમોહન ગુપ્તાના ઘરે મુમ્બઈ શીફ્ટ થયાં. ત્યાં તેમણે આ ‘સુખવીન્દર કૌર’ નામધારી સ્ત્રીને ‘રાધેમા’ તરીકે લોકો સામે પ્રોજેક્ટ કર્યા. રેસ્ટ ઈઝ ધ હીસ્ટ્રી ! અર્ધ શીક્ષીત અને ગામડીયણ આ બહેન, રાતોરાત દેવી બની ગયાં ! આજે તેમના દરબારમાં શ્રીમન્ત અને ફીલ્મસ્ટાર્સ, તેમની દૈવી કૃપા મળે તે માટે લાઈન લગાવે છે.
પણ નીક્કી ગુપ્તા નામની આ ગુપ્તા પરીવારની વહુએ તેના પતી નકુલ ગુપ્તા અને બીજા પાંચ સાસરીયાં તથા રાધેમા વીરુદ્ધ મુમ્બઈ પોલીસને ફરીયાદ કરી કે તે દહેજ માટે એને હેરાન કરે છે. કાલ સુધી ભક્તોના દરબારમાં રંગેચંગે ડાન્સ કરતાં રાધેમા રાતોરાત રડવા કકળવા માંડ્યાં છે કે તેઓ નીર્દોષ છે. તેમની બે વહુઓ પણ રોયલ ફેમીલીમાંથી આવે છે. જો તેમની પાસેથી તેમણે દહેજ ન માંગ્યુ હોય તો નીક્કી જેવી ગરીબ મહીલા પાસેથી તો કેમ માંગે ? ખેર, મુમ્બઈ પોલીસ એનું કામ કરશે. પણ આવાં રાધેમાને દેવી તરીકે પુજતા આપણા લોકો વીશે શું કહેવું ?
શ્રાવણ મહીનો હીન્દુ ધર્મનો પવીત્ર મહીનો ગણાય છે; પણ તેમાં આજકાલ અન્ધશ્રદ્ધાનું ભારોભાર મીશ્રણ થઈ ગયું છે અને એટલે જ આવાં રાધેમા જેવાં કીમીયાગરો સમાજમાં ફુલેફાલે છે. શ્રાવણ માસમાં હીન્દુઓનાં ઘરેઘરે ઉપવાસો, સત્યનારાયણની પુજા અને બીજાં અનેક ધાર્મીક વીધીવીધાન થતાં હોય છે. જાણે વર્ષમાં એક જ મહીનામાં દાન–ધરમ કરીને, વર્ષભર કરેલાં પાપ ધોઈને પુણ્ય કમાઈ લેવાનું હોય ! સમાજમાં આવાં રાધેમા સાધ્વી તરીકે સફળ પ્રેક્ટીસ કરી શકે છે તેને માટે આપણે જ જવાબદાર છીએ. જીવનમાં મુશ્કેલીઓ તો કોને નથી હોતી ? પણ આવાં રાધેમા જેવા ધુતારાનો સહારો લઈને શોટર્કટથી મુશ્કેલી દુર કરવાના ઉપાય કરતાં જ આપણે ભેરવાઈએ છીએ. નાનાંમોટાં બધાં મન્દીરોમાં દર્શન સમયે થતી ભાગદોડને કારણે દર વર્ષે આપણે ત્યાં અનેક લોકો ઈજા પામે છે કે મરે છે; પણ આપણી મન્દીર તરફની દોટ અટકતી નથી ! શા માટે તમે ધાર્મીક છો તેવું દેખાડવા માટે પણ મન્દીર જવું પડે ? શા માટે આપણને રાધેમાની જરુર પડે ? કારણ કે આપણને સફળતા માટે શોર્ટ કટ જોઈએ છે. બસ, જલદી સફળ તો થઈ જવું છે; પણ તેને માટે સખત તો શું જરાયે મહેનત નથી કરવી.
આપણી ગુજરાતી કહેવત છે : ‘ગામમાં લોભી હોય ત્યાં ધુતારા ભુખે ન મરે.’ તેથી રાધેમાને દોષ આપતાં પહેલાં આપણા ગરેબાનમાં ઝાંકવાની જરુર છે કે તમે ધર્મના નામે કોઈ ડામીશને તો પુજતા નથી ને ? ને શા માટે ભગવાન અને તમારી વચ્ચે આવા ‘કમીશન એજન્ટ’–વચેટીયાની જરુર તમને પડે ? કણકણમાં ઈશ્વર છે જ; તો પછી ઈશ્વરને તે કણકણમાં જ શોધી લેવો ઘટે.
આશ્ચર્ય એ છે કે વીકીપીડીયા પર પણ રાધેમા વીશે અનેક માહીતી ફોટા ઉપલબ્ધ છે; પણ દેશના કશ્મીર સ્ટેટની પહેલી યુ.પી.એસ.સી એક્ઝામ પાસ કરનાર મુસ્લીમ મહીલા રુવેદા વીશે કોઈ એક પેજ પણ નથી !
તે જ દેખાડે છે કે લોકોને શું જોઈએ છે.. ‘રાધેમા’ કે ‘સલામ રુવેદા’ !
: રેડ ચીલી :
Education is the basic tool which will empower women,
make them financially independent,
help them make the right choices
… Ruveda Salam …